-વિધાનસભામાં સરકાર જવાબ ન આપી શકી
-સર્વ શિક્ષા અભિયાનમાં છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે કરેલી દરખાસ્ત મુજબ ગ્રાન્ટ મળી નથી
અમદાવાદ,તા.14 માર્ચ 2017, મંગળવાર
શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત સરકારને રૃ. ૩૭૯૬ કરોડની ઓછી ગ્રાન્ટ મળી હોવાનું જણાવી કોંગ્રેસ દ્વારા મંગળવારે સરકાર પર પસ્તાળ પાડવામાં આવી હતી. કોંગ્રેસના જૂનિયર-સીનિયર સભ્યો રીતસર તૂટી પડયા હતા. તેમજ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર-ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતની જનતાને ‘થપ્પડ’ મારવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી છેલ્લા ત્રણ વર્ષમાં કુલ કેટલી રકમની ગ્રાન્ટ માંગી અને કેટલી રકમ મળી છે તેવો પ્રશ્ન કોંગ્રેસે ગૃહમાં પૂછ્યો હતો. જેમાં તારાંકિત પ્રશ્નોત્તરીની બુકમાં સરકારે જવાબ આપ્યો હતો. એ જવાબ મુજબ ત્રણ વર્ષમાં ગુજરાત સરકારે કેન્દ્ર પાસેથી જે રકમની ગ્રાન્ટની માગણી કરી હતી તેનાથી ૫૫ ટકા રકમ ઓછી મળી છે.
સરકારની રૃ. ૫૯૭૪.૪૬ કરોડની માગણી સામે માત્ર ૧૭૭૭.૮૧ કરોડની જ ફાળવણી થઈ છે. શા માટે રકમ ઓછી મળી છે તેનો જવાબ માગ્યો હતો. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ એવો જવાબ આપ્યો હતો કે કેન્દ્ર સરકારે ગુજરાતની કુલ ગ્રાન્ટમાં ૧૦ ટકાનો વધારો જ કર્યો છે. જેથી ગુજરાતને કોઈ અન્યાય થયો નથી. થશે પણ નહીં. યોજનાકીય ગ્રાન્ટમાં ઘટાડો દેખાતો હોય પણ વાસ્તવમાં વધારો જ થયો છે.
જો કે કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે મંત્રીઓ ગોળગોળ જવાબ આપવાનું બંધ કરે અને સર્વ શિક્ષા અભિયાનનો જે પ્રશ્ન પૂછ્યો છે તેના સંદર્ભમાં જ શા માટે ગ્રાન્ટ ઘટાડી નાખી તેનો જવાબ આપે. આથી મંત્રીએ ફરીથી ઉભા થઈ કહ્યું કે, જવાબ છાપેલો આપ્યો જ છે. તેથી કોંગ્રેસનાં સભ્યોએ ફરીથી હોબાળો કરી મુક્યો હતો. આ તબક્કે શિક્ષણ મંત્રીને રીતસરનો પરસેવો વળી ગયો હતો અને તેઓ SSAને શા માટે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારની દરખાસ્તની સરખામણીમાં ૫૫ ટકા ઓછી ગ્રાન્ટ આપી છે તેનો જવાબ આપવામાં ફાંફાં પડી ગયા હતા.